ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓના સપનાંને પાંખો આપી રહેલી ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’

Smart Village Movement, February 26, 2024

રૂ. ૨૬ લાખના ખર્ચે ગોરજ અને સાવલીની શાળાઓમાં ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’

પ્રોજેક્ટ સાકાર કર્યા; હવે હાલોલમાં ‘સ્કીલ અપગ્રેડેશન સેન્ટર’નું અનોખું આયોજન

વડોદરા જીલ્લામાં વાઘોડિયા નજીક ગોરજ ગામે મુની સેવા આશ્રમ સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ (EMRS) ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ સંસ્થા દ્વારા ઊભી કરાયેલી ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’નું એક દ્રશ્ય…

 

(ગાંધીનગર: દિનાંક: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪; બુધવાર).

ભારતના ગામડાઓને ‘સ્માર્ટ વિલેજ’ બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ કામ કરી રહેલી સુપ્રસિદ્ધ સ્વૈચ્છિક સંસ્થા ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ (SVM) દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્યના સપનાંઓને પાંખો આપવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. વડોદરા જીલ્લામાં વાઘોડિયા પાસેના ગોરજ ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ (EMRS) તેમજ નર્મદા જીલ્લામાં રાજપીપળા નજીક સાવલી ગમે આવેલી એસ. એમ. શાહ વિદ્યામંદિરમાં રૂ. ૨૬ લાખથી વધુના ખર્ચે ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ પ્રોજેક્ટ્સ સાકાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અત્યંત સફળ થતાં, સંસ્થા હવે રાજ્યના આદિવાસી વિસ્તારોની અન્ય શાળાઓમાં પણ આ પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ગુજરાત સરકારના ‘સેન્ટર ફોર આંત્રપ્રીનિયોર ડેવલપમેન્ટ’ (CED)ની ઉદ્યમિતા વિકાસ યોજના અંતર્ગત ‘જીઆઇડીસી હાલોલ એક્શપાંશન’ ઔદ્યોગિક વસાહત ખાતે ‘સ્કીલ અપગ્રેડેશન સેન્ટર’ પણ શરુ કરી રહી છે.

એકવીસમી સદીની જરૂરતોને અનુરૂપ

આજના ઝડપભેર બદલાતા સમયમાં ટેકનોલોજી આપણા જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શી રહી છે અને વ્યાપક બની રહી છે ત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરીંગ અને ગણિત (S.T.E.M.)ના વિષયોનાં છેલ્લામાં છેલ્લાં જ્ઞાન અને વિકાસની માહિતી વિષે કોઈપણ વિદ્યાર્થી અજાણ ન રહે તેમજ આ વિષયોમાં વ્યવહારુ તાલીમ તેમજ કૌશલ્ય શિક્ષણ પોતાની જાતે જ મેળવે અને એકવીસમી સદીની જરૂરતો અનુસાર કારકિર્દી ઘડે એ આવશ્યક છે. શાળાઓમાં પરંપરાગત રીતે અપાતા વર્તમાન સૈદ્ધાંતિક શિક્ષણ અને આજની ખરેખરી જરૂરિયાતો વચ્ચેનો અવકાશ પૂરવા માટે ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ પ્રોજેક્ટ્સ અનિવાર્ય છે; આજના સમયની માંગ છે.

આદિવાસી વિસ્તારોની શાળાઓ લક્ષ્ય

ઉપરોક્ત અવકાશને ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ દ્વારા પારખી લેવામાં આવ્યો છે અને મોટા શહેરોની ‘હાઈ-ફાઈ સ્કૂલો’માં ઉપલબ્ધ હોય એવી ઘણી સુવિધાઓથી વંચિત ગ્રામ્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ’ (AI), ‘રોબોટીક્સ’ ‘થ્રી ડી પ્રિન્ટર’ ‘થ્રી ડી પેન’ વગેરે દ્વારા તાલીમ લેવાની ઉત્કૃષ્ટ સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે આદિવાસી વિસ્તારોની શાળાઓમાં ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ પ્રોજેક્ટ્સ શરુ કરવાનો ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’નો આ એક નમ્ર પ્રયાસ છે. તરૂણ અને યુવાન વિદ્યાર્થીઓમાં જુદી જુદી ચીજોમાં શોધ-સંશોધન કરવાની વૃત્તિ અને ઉત્સાહ પેદા થાય તેમજ તેઓની આંતરિક પ્રતિભા બહાર આવે એ હેતુથી મુંબઈ સ્થિત ‘ક્યુરીઓસિટી જીમ’ કંપનીના સહયોગમાં આ ક્રાંતિકારી પ્રોજેક્ટની પહેલ સંસ્થા દ્વારા ગુજરાતમાં કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની પહેલી પસંદ

ઉપરોક્ત બે શાળાઓમાં ‘પાયલટ પ્રોજેક્ટ’ તરીકે શરુ કરાયેલી ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ શાળા સંચાલકોને એટલી બધી પસંદ પડી છે કે, તેઓ તેને ગ્રામ્ય વિસ્તારોના ભાવી ઘડતર માટે વચનબદ્ધ, અનન્ય શૈક્ષણિક પ્રયાસ તરીકે નિહાળી રહ્યા છે. વિદ્યાર્થીઓ તો શાળાની અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરતાં ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ વધુ પસંદ કરે છે!

વિદ્યાર્થીઓના ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો

એક વિદ્યાર્થિની કુમારી સીમા બારિયાએ કહ્યું કે, “આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ – AIનો અભ્યાસ એટલો બધો રસપ્રદ અને આકર્ષક હોય છે કે, શાળામાં કોઈપણ રાજા આવે એ ગમતું નથી!” અન્ય એક વિદ્યાર્થી યશ રાઠવાએ કહ્યું કે, “ઇન્નોવેશન હબમાં મને મારા સાચા શોખ અને કઈ પ્રવૃત્તિમાં મને અત્યંત જોશ, ઉત્સાહ આવે છે તેની ખબર પડી!” ગોરજ શાળાના આચાર્ય શ્રી યોગેશજીએ કહ્યું કે, “અમારા વિદ્યાર્થીઓને ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ પ્રોજેક્ટ્ એટલો ગમે છે કે, તેનો ક્લાસ ક્યારે લેવાય તેની રાહ જોતા હોય છે; તેઓને ઝડપભેર નવી નવી ચીજો બનાવવી હોય છે!”

ડૉ. અનિલભાઈ શાહ પ્રભાવિત

‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ના અમેરિકાવાસી ચેરમેન ડૉ. અનિલભાઈ શાહે તેની ભારતયાત્રા દરમિયાન, તાજેતરમાં ઉપરોક્ત બંને શાળાઓની મુલાકાત લીધી હતી અને ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’માં વિવિધ ચીજો રસપ્રદ રીતે શીખી રહેલા વિદ્યાર્થીઓને નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ની પહેલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજી શીખવાનું વાતાવરણ સર્જવા માટે ડૉ. શાહે શાળા સંચાલકોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.

શાળા સંચાલકો દ્વારા સ્વીકાર

વ્યવહારુ પ્રયોગ આધારિત નવતર અભ્યાસ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જાતે જ સર્જન કરવાની તાલીમ પદ્ધતિનો શાળા સંચાલકો દ્વારા સ્વીકારવાની બાબત અહીં કેન્દ્રસ્થાને છે. નાનામાં નાની બાબતો ખ્યાલમાં રાખીને અત્યંત ચીવટપૂર્વક તૈયાર કરાયેલા થીઅરી ઉપરાંત, પ્રેક્ટીકલ તેમજ પ્રોજેક્ટ આધારિત કૌશલ્ય તાલીમના સત્રોમાં વિદ્યાર્થીઓ રસ, ઉત્સાહ અને જુસ્સાથી જોડાય છે. તેઓ ‘STEM’ની વૈવિધ્યસભર શાખાઓ, ‘રોબોટીક્સ’, ‘થ્રી-ડી પ્રિન્ટીંગ’, ‘ક્રીટીકલ થીંકીંગ’, ‘પ્રોબ્લેમ સોલ્વીંગ’ તેમજ ‘ક્રિએટીવીટી’ની અનન્ય તાલીમ મેળવે છે. હાલ, બંને શાળાઓના મળીને ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’નો લાભ લઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓની નિષ્ઠા, ઉત્કંઠા અને પરિશ્રમ

‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’માં વિદ્યાર્થીઓ ‘ઓટોમેટીક ટેપ વોટર’થી લઈને રીમોટ કંટ્રોલ્ડ ઇલેક્ટ્રિક કાર સુધીના અનોખા પ્રોજેક્ટ્સ તૈયાર કરે છે અને એ બધી ચીજો જાતે બનાવે છે. આમાં, વિદ્યાર્થીઓની શીખવા માટેની નિષ્ઠા, ઉત્કંઠા અને પરિશ્રમનું પ્રતિબિંબ પડે છે. તેઓ સાચા અર્થમાં આવતીકાલના અગ્રેસરો હોવાનું દર્શન થાય છે.

ઉજળા ભવિષ્યની આશા

ગુજરાતની શાળાઓમાં ‘ઇન્નોવેશન હબ – સ્ટેમ લેબ’ની સફળતા અને સિદ્ધિઓ વિષે જાણીને ‘સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ’ના અમેરિકાવાસી અગ્રણીઓ દેશના ગ્રામ્ય વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્યની આશાઓ અને વિકાસની અનેકવિધ સંભાવનાઓ વિષે નિશ્ચિંત થયાં છે. અનેક વિદ્યાર્થીઓમાં જાગેલી ઉત્સુકતા, તેઓમાં રોપાયેલા સર્જનાત્મકતાના બિજ પ્રત્યક્ષ નિહાળીને આ પ્રવૃત્તિને સમગ્ર દેશમાં ફેલાવવા માટે તેઓ કટિબદ્ધ થયાં છે.